
દેડિયાપાડા કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
દેડિયાપાડા, તા. 12 ઓગસ્ટ 2026: સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા ખાતે આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં એન્ટી રેગિંગ સપ્તાહ અંતર્ગત તા. 12/08/2026ના રોજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ રેગિંગમુક્ત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં કૉલેજના આશરે 15 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સર્જનાત્મક પોસ્ટરો દ્વારા રેગિંગના દુષ્પરિણામો, રેગિંગ વિરોધી સંદેશાઓ તેમજ રેગિંગમુક્ત કેમ્પસ અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓ રજૂ કર્યા હતા.
સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓની કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. રીતેશભાઈ પરમાર, શ્રી ગૌરવભાઈ ગોયલ તથા શ્રી સંજયભાઈ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. આ પ્રસંગે આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલે વિદ્યાર્થીઓને રેગિંગથી દૂર રહેવા તથા કૉલેજમાં સ્વસ્થ, સુરક્ષિત, શિસ્તબદ્ધ અને રેગિંગમુક્ત વાતાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન એન્ટી રેગિંગ સેલના કન્વીનર ડૉ. ચનાભાઈ ટાલિયા તથા એન્ટી રેગિંગ સેલના સભ્ય પ્રા. પ્રિતિકાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.




