લીમડીમાં અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી રથયાત્રા પૂર્વે જ એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી. રથયાત્રાની શોભા વધારવા માટે ખાસ લાવવામાં આવેલા ‘લક્ષ્મી’ નામના ગજરાજ (હાથી)નું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત નીપજ્યું છે. રથયાત્રા નગરમાં ભ્રમણ કરે તે પહેલા જ બનેલી આ ઘટનાથી ઉત્સાહનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે ગજરાજનું અચાનક મોત થતાં રથયાત્રાના આયોજકો, સેવકો અને સ્થાનિક ભાવિક ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ તંત્ર દ્વારા ગજરાજના મોતના ચોક્કસ કારણો જાણવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે.દફનવિધિના સ્થળે બનશે ગણેશ મંદિર ભાવિકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતક ગજરાજ ‘લક્ષ્મી’ની જે જગ્યા પર શાસ્ત્રોક્ત વિધિ દફનવિધિ કરવામાં આવશે, તે જ પવિત્ર સ્થળ પર આગામી સમયમાં ભવ્ય ભગવાન ગણેશજીના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગજરાજના આકસ્મિક વિદાયથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ છે