Rajkot: રાજકોટની દાતારી ૧૪૦૦ નાગરિકોએ મૃત્યુ બાદ ૩૦૦થી વધુ દર્દીઓને નવી દ્રષ્ટિ આપી

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન:- જીતેન્દ્ર નિમાવત
ચક્ષુદાન પખવાડિયાની પરિણામલક્ષી કામગીરી કરતી જી.ટી.શેઠ આંખ હોસ્પિટલની ટીમ: બે વર્ષમાં ચક્ષુદાનનું પ્રમાણ ૧ હજારથી વધીને ૧,૪૦૦એ પહોંચ્યું ડો.અંજલી પડાયા
મૃત્યુ બાદ ચક્ષુદાન કરી દિવ્યાંગનાં જીવનને ઉજાસમય બનાવીએ
વૈજ્ઞાનિક અભિગમ કેળવી ચક્ષુદાન માટે લોકો આગળ આવે
Rajkot: અંગદાન અને ચક્ષુદાન એ આજના સમાજમાં માનવતાની સેવાનું અનન્ય ઉદાહરણ છે. આ પવિત્ર કાર્ય દ્વારા એક વ્યક્તિ પોતાના જીવનના અંતે અથવા તો જીવિત હોય ત્યારે પણ અન્યના જીવનને નવું આયામ આપી શકે છે. હૃદય, કિડની, લીવર જેવા અંગોના દાનથી કોઈનો જીવ બચાવી શકાય છે, જ્યારે ચક્ષુદાન અંધત્વના અંધકારમાં ડૂબેલા વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરે છે. આ બંને દાનનું મહત્વ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમાજના સર્વાંગી ઉત્થાન માટે પણ અનિવાર્ય છે, જે સહાનુભૂતિ, ઉદારતા અને જીવન પ્રત્યેની સકારાત્મક દૃષ્ટિને પ્રોત્સાહન આપે છે. આ શબ્દોને રાજકોટના લોકો ખરા શબ્દોમાં સાકાર કરી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાનાં લોકોમાં અંધત્વ નિવારણ અને ચક્ષુદાન અંગે જાગૃતિ વધી છે. જેના પરિણામે છેલ્લા બે વર્ષમાં આંખોનાં દાનનું પ્રમાણ ૧ હજારથી વધીને ૧,૪૬૪ સુધી પહોંચતા ૩૦૦ થી વધુ દર્દીઓને નવી દૃષ્ટિ મળતા તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે.
પી.ડી.યુ. મેડીકલ કોલેજ, જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ રાજકોટ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ફક્ત ઉજવણી જ નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરીથી છેલ્લા વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦૦થી વધુ દર્દીઓનો અંધાપો દૂર થયો છે. મૃત્યુ પછી કોઈ દિવ્યાંગનો અંધાપો દૂર કરી, તેના જીવનમાં કાયમી ઉજાસ પાથરી શકાય તેનાથી મોટું બીજુ શું દાન હોય શકે? જીવતો માણસ કોઈને કોઈ રીતે દેશ, સમાજ, પરિવાર અને મિત્રોને મદદરૂપ બનતો હોય છે. પરંતુ આ દાન થકી મૃત્યુ પછી પણ આપણે કોઈનાં જીવનમાં રોશની ફેલાવી દેશ અને સમાજને ઉપયોગી થઈ શકીએ છીએ. માણસનાં મૃત્યુ પછી પણ તેમની આંખો સુંદર સૃષ્ટિને જોઈ શકે છે. પરિવારજનો ૧૯૧૯ ટોલફ્રી નંબર પર કોલ કરી મૃત વ્યક્તિનું ચક્ષુદાન કરી શકે છે.
ચક્ષુદાન અંગે આગળ આવવા બદલ જી.ટી.શેઠ આંખ હોસ્પિટલનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અંજલી પડાયાએ રાજકોટ શહેર અને જિલ્લાવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. અંજલીએ કહ્યું હતુ કે, લોકોમાં અંધત્વ નિવારણ તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. દિવ્યાંગ વ્યક્તિને દ્રષ્ટિ મળે તે માટે દર વર્ષે ૨૫ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ ફક્ત ઉજવણી નથી પરંતુ આ દિવસોમાં સમાજની વચ્ચે જઈને લોકોને ચક્ષુદાન અંગે જાગૃત કરવામાં આવે છે, જેના સારા પરિણામો છેલ્લા બે વર્ષથી મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩માં એક હજાર જેટલા મૃત લોકોની આંખો ડોનેટ થઈ હતી. જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૪૬૪ સુધી પહોચ્યું છે, તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ઓગસ્ટ સુધીમાં આ આંકડો ૪૬૨ સુધી પહોંચ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે. ૧,૪૬૪ જેટલા નાગરિકોએ મૃત્યુ બાદ ઉદારતા અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી ૧૬૯ લોકોની આંખોમાં ઉજાસ પાથર્યો છે, તેમજ ૧૪૭ લોકોને થેરાપીટિક દ્વારા સારવાર કરાઈ છે અને ૭૯૧ આંખો અન્ય સંશોધન અભ્યાસમાં મદદરૂપ બની છે.
તેમણે કહ્યું કે, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે થેરાપીટિક અને ઓપ્ટિકલ ટેક્નિક હોય છે. થેરાપીટિકમાં દર્દીનાં આંખનું ઇન્ફેક્શન દૂર કરવા માટે અને ઓપ્ટિકલમાં દર્દીઓને રોશની માટે મદદરૂપ બને છે.
જી.ટી.શેઠ આંખ હોસ્પિટલનાં હેડ ડૉ. કમલસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં દર્દીઓને અને તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ, ચક્ષુદાન તેમજ આંખના રોગોથી કંઇ રીતે બચવું તે અંગે સમજ આપવામાં આવે છે. આ બાબતે આસિસ્ટન્ટ પ્રોફેસરે કહ્યું કે, નાગરિકોએ અંધશ્રદ્ધામાં નહીં, પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવી ચક્ષુદાન માટે આગળ આવીને મૃત્યુ બાદ ચક્ષુદાન કરવા કટિબદ્ધ થવું જોઈએ. આપણી આસપાસ સમાજમાં ઘણા લોકો અંધાપાને કારણે જીવનમાં પાછળ રહી જતા હોય છે. દિવ્યાંગ લોકો પણ અન્ય સામાન્ય લોકોની જેમ આ સુંદર સૃષ્ટિ જોઈ શકે તે માટે દરેક નાગરિકે મૃત્યુ બાદ ચક્ષુદાન કરવું જોઈએ.
અંધત્વ ધરાવતા લોકો સામાન્ય લોકોની જેમ જોઈ શકે તથા નાગરિકો ચક્ષુદાન માટે પ્રેરાય તે માટેના ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી માટે જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલ & પી.ડી.યુ.મેડિકલ કોલેજ રાજકોટ, વિભાગીય વડા ડૉ. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી સહિતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.




