Rajkot: રાજકોટમાં તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ બે દિવસીય મિલેટ ‘મહોત્સવ-૨૦૨૫’ યોજાશે
તા.૩૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને આયોજન અંગે મિટિંગ યોજાઈ
બાળકો, યુવાનોને મીલેટ્સ વાનગીઓ પ્રત્યે આકર્ષણ વધે તે માટે ખાસ આયોજન કરવા કમિશનરશ્રીની અપીલ
રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર, બાજરી સહીત મિલેટની અવનવી પ્રોડ્ટક્સ ઓર્ગેનિક મસાલાનું પ્રદર્શન કમ વેચાણ
લાઈવ ફૂડ સ્ટોલમાં મિલેટ હાંડવો, મિલેટ ભેળ, ઢોસા, ખીચડો સહિતની વાનગીનો આસ્વાદ લેવા જાહેર જનતાને નિમંત્રણ
મિલેટ પાક પરિસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેસકોટ અને લાઈવ બેન્ડ આકર્ષણ જમાવશે
Rajkot: રાજ્યમાં મિલેટ અંગે ખેડૂતો અને નાગરિકોમાં વ્યાપક જન જાગૃતિ અર્થે મિલેટ પ્રોડક્ટ્સના પ્રદર્શન સહ વેચાણાર્થે આગામી તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ બે દિવસીય અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટ મહાનગર ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મિલેટ મહોત્સવ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી (ઇન્ચાર્જ) એ.કે. વસ્તાણીની ઉપસ્થિતમાં મિલેટ એક્સ્પોના આયોજન અર્થે ખાસ બેઠક યોજાઈ હતી.
મિલેટ સ્વાસ્થ્યપ્રદ અને મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોઈ છે, રોજબરોજના જીવનમાં મિલેટ વાનગીઓને વણી લેવામાં આવે, બાળકોના નાસ્તા અને યુવાનો પણ મીલેટ્સ વાનગીઓ પ્રત્યે આકર્ષિત થાય તે રીતે બહોળો પ્રચાર-પ્રસાર કરવા અને મેળાનું ખાસ આકર્ષણ બને તે માટે કમિશનર શ્રી તુષાર સુમેરાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.કે. વસ્તાણીએ મિલેટ મહોત્સવમાં કૃષિ વિભાગ સહીત જુદા જુદા વિભાગ દ્વારા સંકલનમાં વિવિધ કાર્યક્રમના સુચારુ આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મિલેટ મહોત્સવમાં રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર બાજરી જેવી પ્રોડ્ટક્સનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. જયારે લોકો મિલેટમાંથી બનતી વાનગીઓથી અવગત થઈ શકે તે માટે લાઈવ ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવશે. મિલેટ પકવતા અને નેચરલ ફાર્મીંગ કરતા Fખેડૂતો, ખેડૂતો સાથે સંકળાયેલા એન.જી.ઓ. શહેરીજનોને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હર્ષદ પટેલ, કૃષિ અધિકારી શ્રી તૃપ્તિબેન સહીત મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.