સુરેન્દ્રનગર: ગાંધી હોસ્પિટલમાં સંવેદના અને સેવાનો અનોખો સંગમ, દર્દીઓએ ડોક્ટરોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સ્થાનિક મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની એક અત્યંત હૃદયસ્પર્શી અને આત્મીય વાતાવરણમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ રાત-દિવસ તેમની સંભાળ રાખતા તબીબી સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સ્વયં આગળ આવીને ડોક્ટરોને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. દર્દીઓ અને ડોક્ટરો વચ્ચેના આ સ્નેહ અને વિશ્વાસના પવિત્ર સંબંધે સમગ્ર હોસ્પિટલ પરિસરને કૌટુંબિક ભાવથી સભર બનાવી દીધું હતું. આ ભાવસભર પ્રસંગે સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, “દર્દીઓએ ઉત્કૃષ્ટ સારવાર બદલ આભાર વ્યક્ત કરવા તબીબોને રાખડી બાંધવાની ઈચ્છા દર્શાવી હતી. રાખડીનો આ રેશમી દોરો દર્દીઓનો ડૉક્ટર પ્રત્યેનો ગાઢ વિશ્વાસ અને સ્નેહ દર્શાવે છે. દર્દીઓ તરફથી મળતા આવા પ્રેમ અને આદરથી તબીબી સ્ટાફની જવાબદારી અને પ્રોત્સાહનમાં બમણો વધારો થાય છે તેમજ વધુ નિષ્ઠાથી સેવા કરવાની નિરંતર પ્રેરણા મળે છે.” તેમણે તમામ દર્દીઓનો આભાર માની તેઓ ઝડપથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી. આ આયોજને સાબિત કર્યું છે કે હોસ્પિટલ માત્ર કેવળ સારવારનું કેન્દ્ર નથી, પરંતુ માનવીય સંબંધો અને ઉત્કૃષ્ટ સંવેદનાઓનું પણ એક પવિત્ર ધામ છે.


