GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં ACBનો સફળ ટ્રેપ: રુદ્ર સંદેશ પ્રેસના પત્રકાર રૂ .હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર/ નવસારી

ફરીયાદી સામે સમાચાર નહીં છાપવા અને મામલો ‘સાચવી લેવા’ ₹51 હજારની માંગણીનો આક્ષેપ

નવસારીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલા સફળ ટ્રેપમાં એક પત્રકારને ₹51,000ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ACBની કાર્યવાહીથી નવસારીમાં ચકચાર મચી ગઈ છે.

ACBની વિગતો મુજબ, સતશંકર રામચરિત્ર મિશ્રા (મુન્નાભાઈ), પત્રકાર, રૂદ્ર સંદેશ પ્રેસ, નવસારી સામે લાંચની માંગણી અંગે ફરિયાદ મળી હતી. ફરિયાદી દ્વારા સરકાર તરફથી મંજૂર થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમજ સંબંધિત કામોના રેકર્ડની તપાસ માટે RTI એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી.

આ દરમિયાન પત્રકાર મિશ્રાએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર નહીં છાપવા તથા મામલો ‘સાચવી લેવા’ના અવેજ પેટે ₹51,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદીએ સમગ્ર મામલે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી નવસારી ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹51,000ની લાંચની માંગણી કરી સ્વીકારતા ACBની ટીમે તેમને સ્થળ પર જ ઝડપી પાડ્યા હતા. ACB દ્વારા લાંચની સંપૂર્ણ ₹51,000ની રકમ રિકવર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી સરોવર કાઠીયાવાડી હોટેલ, ગ્રીડ ચાર રસ્તા, નવસારી ખાતે હાથ ધરવામાં આવી હતી.

ટ્રેપની કાર્યવાહી નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. સોલંકી તથા ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

લાંચ વિરોધી કાર્યવાહી માટે ACB દ્વારા નાગરિકોને ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!