વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે આવેલી એક ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં દુકાનદાર દ્વારા ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ પધરાવવામાં આવતી હતી. જેમાં એક ગ્રાહક આ દુકાન પર આઈસ્ક્રીમ લેવા માટે ગયો હતો અને દુકાનદારે એક્સપાયર ડેટની આઈસ્ક્રીમ આપતા હોબાળો મચી ગયો હતો.જે બાદ જાગૃત નાગરિકો દ્વારા ડાંગ પુરવઠા વિભાગ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓ દ્વારા દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાના સુબિર ખાતે આવેલ ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાંથી આઈસ્ક્રીમ ખરીદી કરનાર એક ગ્રાહકે પેકેટ પર નજર કરતા તેના પર એક્સપાયરી ડેટ જોવા મળી હતી.આ બાબતે તેણે દુકાનદારને જણાવતા વિવાદ સર્જાયો હતો.આ મામલે ગ્રાહકે અન્ય લોકોને જાણ કરતા દુકાનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી.જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દુકાન પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન દુકાનમાં વેચાણ માટે મૂકવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આ ઉપરાંત, સુબીર તાલુકાની અન્ય ચાર દુકાનોમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઘટના બાદ સુબીરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.લોકોએ વહીવટી તંત્ર પાસેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.