GUJARATKUTCHNAKHATRANA

નખત્રાણામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, ૩૦ એકમોમાં ચેકિંગ કરી ૩૦ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

ગરમી અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નખત્રાણામાંથી ખાદ્ય પદાર્થોના ૪૮ શંકાસ્પદ નમૂના લીધા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને માત્ર તાજા બનાવેલા ખોરાકનું જ વેચાણ કરવાનો વેપારીઓને અનુરોધ.

નખત્રાણા ,તા-૨૩ જૂન : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ – કચ્છ દ્વારા વર્તમાન ગરમીની પરિસ્થિતિ તથા આગામી વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા અર્થે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તેની તકેદારીના ભાગરૂપે નખત્રાણા તાલુકામાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલ, વી. એમ. બરંડા અને એસ. બી. પટેલની ટીમ દ્વારા નખત્રાણા બસ સ્ટેન્ડ તથા વિથોણ ચોકની આસપાસ આવેલી ફાસ્ટફૂડની લારીઓ, ઢાબાઓ, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અંદાજે ૩૦ જેટલી પેઢીઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી અને ગુણવત્તા બાબતે શંકાસ્પદ જણાતા ૪૮ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ અર્થે લેવાની કામગીરી કરવામાં આવી છે.આ તપાસની કાર્યવાહી દરમિયાન વેપારીઓ દ્વારા વેચાણ અર્થે રાખવામાં આવેલ ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા મળી કુલ ૩૦ કિલો જેટલો ખુલ્લો, અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તમામ વેપારીઓને ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લઈ રોજિંદા કામકાજમાં હાઇજેનિક કન્ડીશન એટલે કે સ્વચ્છતા જાળવવા તેમજ ગ્રાહકોને માત્ર તાજો અને શુદ્ધ ખોરાક જ પૂરો પાડવા માટે કડક સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ – કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!