AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં આદર્શ નિવાસી શાળાઓનાં કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત આર્થિક સંકળામણ વધતા મુશ્કેલીમાં..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળાઓના કર્મચારીઓને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.જિલ્લાના અતિ પછાત અને અંતરિયાળ વિસ્તાર ગણાતા આહવા, વઘઈ અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે કાર્યરત આદર્શ નિવાસી શાળાઓના કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે. અચાનક અટકી ગયેલા પગારના કારણે આ કર્મચારીઓ ભારે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, જેના લીધે તેમનું રોજિંદું જીવન જીવવું પણ દુષ્કર બન્યું છે.સામાન્ય રીતે છેવાડાના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળે તે માટે કાર્યરત આદિજાતિ વિભાગની આ શાળાઓના શિક્ષકો તેમજ અન્ય સપોર્ટ સ્ટાફને લાંબા સમયથી વેતન ન મળતા તેમની સ્થિતિ દયનીય બની ગઈ છે. ઘરનું કરિયાણું, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા ખર્ચથી લઈને બાળકોની સ્કૂલ ફી અને બીમારીના સમયે તબીબી ખર્ચને પહોંચી વળવા માટે કર્મચારીઓએ દેવું કરવાનો વારો આવ્યો છે. સતત ચાર મહિનાથી પગારની રાહ જોઈને બેઠેલા આ કર્મચારીઓ હવે માનસિક અને આર્થિક રીતે ભારે મુશ્કેલીઓની સ્થિતિમાં મુકાયા છે.સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર કે સંબંધિત વિભાગ દ્વારા શા માટે આ પગાર અટકાવી રાખવામાં આવ્યો છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારે વેતન વગર કામ કરતા કર્મચારીઓમાં હવે છૂપો રોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. આ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તંત્ર સામે વહેલી તકે તેમના હકનો પગાર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે, જેથી તેઓ આ વિકટ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવી શકે તેમ છે..

Back to top button
error: Content is protected !!