નવસારી અને વલસાડમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક,વહીવટી તંત્રને આપ્યા મહત્વના આદેશ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ હાથ ધરાયેલી રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને જિલ્લાઓમાં સર્જાયેલી વરસાદજન્ય પરિસ્થિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત કામગીરી અંગે વિસ્તૃત તાગ મેળવવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન બંને જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ, નદીઓમાં આવેલા પૂર, અસરગ્રસ્ત ગામો, રેસ્ક્યુ ઓપરેશન, સલામત સ્થળે કરાયેલા સ્થળાંતર અને આશ્રયસ્થાનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વરસાદના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન, પાણી ઓસર્યા બાદ હાથ ધરાયેલી સફાઈ ઝુંબેશ અને આરોગ્યલક્ષી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીની પ્રશંસા કરતાં ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં વધુ આગોતરા આયોજન, સાવચેતી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય પહોંચે, આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતાના ધોરણે ઝડપી પૂર્ણ કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીએ નવસારી અને વલસાડ જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી વરસાદજન્ય પડકારો અને સ્થાનિક પરિસ્થિતિ અંગે વિગતવાર તાગ મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ વિક્રાંત પાંડે, નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ, નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સંઘવાન, નવસારી મહાનગરપાલિકા કમિશ્નર જયેશ ઉપાધ્યાય, બંને જિલ્લાના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



