GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં પૂર બાદ માર્ગ-મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી, ૩૦ જેટલા રસ્તાઓ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા

વાત્સલયમ સમાચાર

     મદન વૈષ્ણવ

જુલાઈ માસ દરમિયાન નવસારી જિલ્લામાં પડેલા અતિભારે અને ધોધમાર વરસાદ તેમજ નદીઓમાં આવેલા પૂરના પાણીના પ્રવાહને કારણે જિલ્લાના જનજીવનની સાથે માર્ગ અને મકાન સુવિધાઓને પણ ભારે નુકસાન થયું હતું. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં અને ધોવાણ સર્જાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનિષ પટેલએ જણાવ્યું હતું કે, જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે વિભાગ હસ્તકના આશરે 30 જેટલા મહત્વપૂર્ણ રસ્તાઓ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. કુલ 70 જેટલા રસ્તાઓમાંથી અનેક રસ્તાઓ પર સતત બે દિવસ સુધી વાહનવ્યવહાર બંધ રાખવાની ફરજ પડી હતી.

પરંતુ વરસાદ ઓછો થતાં જ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. વિવિધ તાલુકાઓમાં વિભાગની અલગ-અલગ ટીમો સતત સક્રિય રહીને ધોવાણ થયેલા તથા વાહનવ્યવહાર માટે અયોગ્ય બનેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું.

આ કામગીરી માટે 10થી 15 જેટલા ડમ્પર સહિત પૂરતી સામગ્રી અને માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું. દિવસ-રાત ચાલેલી આ કામગીરીના પરિણામે આજે તમામ રસ્તાઓ ફરીથી વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને પૂર્વવત બની ગયા છે, જેના કારણે જિલ્લાના નાગરિકોને રાહત મળી છે અને જનજીવન ફરી સામાન્ય બન્યું છે.

Back to top button
error: Content is protected !!