ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ચોમાસા પૂર્વે જોખમી અને જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી તેજ કરાઈ*

આણંદ ચોમાસા પૂર્વે જોખમી અને જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી તેજ કરાઈ*

તાહિર મેમણ – આણંદ – 28/07/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અત્યંત જર્જરિત અને ભયજનક મકાનો કે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોય તેમને ઉતારી લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરીને ભયજનક હાલતમાં રહેલા મકાનોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

 

આ અભિયાન અંતર્ગત આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદના સાંગોડપુરા વિસ્તારમાં આવેલા બે પડતર અને જર્જરિત મકાનોને મકાન માલિકોની સાથે નક્કી કરાયા બાદ તેમની ઉપસ્થિતિમાં તાત્કાલિક અસરથી ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોટવાળા દરવાજા વિસ્તારમાં પણ એક મકાન ખરાબ હાલતમાં હોવાથી તેને પણ ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે આ મકાનો લાંબા સમયથી પડતર હતા અને અગાઉ તંત્ર દ્વારા તેમને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વરસાદી વાતાવરણમાં આ મકાનો જો આપમેળે પડે તો આસપાસના રહિશો કે પસાર થતા લોકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે તેમ હોવાથી આ પગલું લેવાયું છે.

 

મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પવનના કારણે આવા જર્જરિત મકાનો પડી જવાની શક્યતાઓ વધી જતી હોય છે, જેનાથી જાનહાનિ થવાનો ભય રહે છે. જે મકાનમાલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં મકાનો ઉતારવામાં વિલંબ થઈ રહ્યો હતો, તેવા સ્થળો પર હવે મનપાની ટીમે જાતે પહોંચીને મકાન માલિક સાથે સમજૂતી કરીને તેઓની ઉપસ્થિતિમાં કામગીરી પૂર્ણ કરી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી વાતાવરણમાં સંભવિત દુર્ઘટનાઓને રોકવાનો અને જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.

 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે જે રહેણાંક કે વ્યાવસાયિક મકાનોને જર્જરિત જાહેર કરવામાં આવ્યા છે અથવા જેમને ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે, તેવા મકાનમાલિકોએ જનહિતમાં તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરી દેવા જોઈએ. ભયજનક બાંધકામોને સમયસર ઉતારી લેવા એ ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય. આગામી દિવસોમાં પણ મનપા વિસ્તારમાં આવેલ આવા જર્જરિત મકાનો ઉતારી લેવા જે તે ને મકાન માલિકોને સાથે રાખી ને મહાનગરપાલિકાની ઝુંબેશ સતત ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!