
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
“આ વૃક્ષ તો મારું જ”ના સંકલ્પ સાથે શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ (કાગડા મહુડા), તા.શામળાજી ખાતે “આ વૃક્ષ તો મારું જ”ના સંકલ્પને સાકાર કરવા માટે ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષોનું પર્યાવરણ અને માનવજીવનમાં રહેલું અમૂલ્ય મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષોના નિયમિત જતન, સંવર્ધન અને રક્ષણની જવાબદારી પણ દરેક વિદ્યાર્થીએ સ્વીકારવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું
આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓએ “આ વૃક્ષ તો મારું જ” ના સંકલ્પ સાથે વૃક્ષોનું સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી અને શાળા પરિસરમાં વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું.કાર્યક્રમમાં શાળાના શિક્ષક જગદીશભાઈ બારીયા, ધ્રુવભાઈ પટેલ અને નિકુંજભાઈ ગોસ્વામી સહિતના શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો.સમગ્ર કાર્યક્રમ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ તેમજ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવાના ઉદ્દેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.





