અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી કલેકટર કચેરી પાસે આવેલી હોટલ સિલ્વર કલાઉડમાં પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 શરણાર્થીને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2017થી અત્યારસુધીમાં અમદાવાદ જિલ્લામાં વસતા આવા 1,149 શરણાર્થીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.
જે 108 લોકોને આજે નાગરિકતા અપાઈ એમાં પાકિસ્તાનના હૈદરાબાદમાં એમબીબીએસ કરનાર ડોકટર ગણેશ કુમારનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી ભારતમાં વસે છે. તેમણે 2013માં પાકિસ્તાન છોડ્યું હતું. તેમની ફેમિલીના કેટલાક સભ્યો હજી પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનમાં મોંઘવારી અને સલામતી સહિતના પ્રશ્નો છે. ડો. ગણેશ કુમારના સસરા પાકિસ્તાનમાં પોલીસ-ઇન્સ્પેક્ટર હતા. તેમને ઘરની બહાર બોલાવીને ગોળી મારી દેવાઈ હતી તેમજ તેમનાં કુટુંબીજનોને દેશ છોડવા ધમકી અપાઈ હતી. તેમણે કહ્યું હતું કે એ સમયે 30થી 33 લોકો એકથી બે મહિનાના સમયગાળામાં ભારત આવ્યા હતા, જેમાંથી કોઈ રાજકોટ ગયું તો કોઈ અમદાવાદ આવ્યું.