ભાવનગર ખાતે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
ગૃહ વિભાગ માટે રૂ.૧૨,૬૫૯ કરોડની જોગવાઈ, સાયબર સિક્યુરિટી અને પોલીસ સ્ટ્રેન્થેસિંગ પર ખાસ ભાર
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી, રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજી અને સ્ટ્રેન્થેસિંગ પર વિશેષ ભાર આપવામાં આવ્યો.
ભાવનગર રેન્જની કચેરી ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ કમિશનર, નવ રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાયદો અને વ્યવસ્થા સંભાળવા કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું, સાથે જ ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી.
‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત એક મહિનામાં ૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ પરત
રાજ્યમાં નાગરિકો અને પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી વિવિધ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અમલમાં મૂકાયા છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત રાજ્યભરમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને એક મહિનામાં ૨૦.૪૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો.
સાઇબર ગુનાના નિયંત્રણ માટે રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનો નિર્ધાર લેવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા ૧૩ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા.
વ્યાજખોરી વિરુદ્ધ કાર્યવાહી, ૮૬ ગુનાઓ દાખલ, ૮૨ આરોપીઓની ધરપકડ
રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મહિનામાં ૮૬ ગુનાઓ દાખલ કરી ૮૨ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તેમજ ૩૯ લોન મેળા યોજીને નાગરિકોને સુવિધા આપવામાં આવી.
પોલીસ સ્ટેશનોમાં કામગીરી સુધારવા મેન્ટર પ્રોગ્રામ અને સ્ટ્રેન્થેસિંગ
રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કાર્યક્ષમતા વધારવા મેન્ટર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેના હેઠળ ૮,૦૦૧ આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ૪૮૪ એબ્સ્કોન્ડર્સ અને ૪૦ પેરોલ ફર્લોને ઝડપી લેવામાં આવ્યા.
ટેક્નોલોજી અને સ્ટ્રેન્થેસિંગ માટે મોટું બજેટ, સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ થશે
રાજ્યમાં પોલીસ અને ગૃહ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ૧૨,૬૫૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૧,૧૮૬ નવી જગ્યાઓ સૃજવા અને આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૯૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે ૨૩ કરોડ, તમામ જેલો માટે સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ માટે ૪૪ કરોડ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ‘સુગમ’ પ્રોજેક્ટને બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા અને પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.