મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘સ્વરોત્સવ – સાંસ્કૃતિક ઉત્સવ’નું ભવ્ય આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સ્વરોત્સવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સ્વરોત્સવ – સાંસ્કૃતિક ઉત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતી લોકગીતો અને સંગીતના મનમોહક પ્રસ્તુતિઓનો આસ્વાદ લીધો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી કલા, સાહિત્ય અને સંગીત જેવી કલાસંસ્કૃતિની ધરોહરને વિશિષ્ટ ગૌરવ આપવાની આગવી પરંપરા શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે કલા વારસો એ સરકાર આશ્રિત નહીં, પરંતુ સરકાર પુરસ્કૃત રહે તેવી પરંપરા વડાપ્રધાનએ વિકસાવી છે.
મુખ્યમંત્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સૂત્રને આધાર આપતા જણાવ્યું કે વિકાસ સાથે સાંસ્કૃતિક વારસાની જાળવણી પણ અગત્યની છે. સ્વરોત્સવનું આયોજન વડાપ્રધાનએ શરૂ કરેલી કલા વારસાને ઉજવવાની પરંપરાની એક કડી છે.
આઠ વર્ષથી સતત આયોજિત થતો સ્વરોત્સવ ગુજરાતી સંગીત અને કવિતા માટે સાંસ્કૃતિક ઉત્સવ સમાન છે. મુખ્યમંત્રીએ આ આયોજનને અભિનંદન પાઠવતા જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારોની હાજરી આ કાર્યક્રમને ભવ્ય બનાવે છે.
મુખ્યમંત્રીએ ‘વિકસિત ભારત@2047’ના વિઝનને સાકાર કરવા માટે સૌને ભાષા અને સાહિત્યની સેવાથી નવભારતના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કવિ અંકિત ત્રિવેદી, ગૌરાંગ વ્યાસ, નિરૂપમ નાણાવટી, રાજા પાઠક, લોકગાયક કીર્તિદાન ગઢવી સહિત વિવિધ લોકકલાકારો અને નાટ્યકારો હાજર રહ્યા હતા.