થલતેજના પેલેડિયમ મોલ ખાતે ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત સફળતાપૂર્વક યોજાઈ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત થલતેજ સ્થિત પેલેડિયમ મોલ ખાતે મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભ્યાસમાં નાગરિકોને આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તે અંગે જાગૃતિ આપવાની સાથે વિવિધ પ્રતિક્રિયાત્મક કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું.
મોકડ્રીલના આરંભે મોલમાં મેજર સાયરન અને ફાયર એલાર્મ વાગતા જ હકીકતભર્યું દૃશ્ય સર્જાયું હતું. ઘટનાના અનુસંધાને તાત્કાલિક ફાયર વિભાગની ટીમે આગ લાગેલી જગ્યાએ પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી. મોલના સ્ટાફ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલિત પ્રયાસથી મુલાકાતીઓ અને સ્ટાફને સલામત રીતે બેઝમેન્ટમાં ખસેડવામાં આવ્યા.
આ મોકડ્રીલ દરમિયાન એક ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો, જ્યાં મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી. આ અભ્યાસમાં આગ બુઝાવવી, લોકોનો રેસ્ક્યુ, ઈજાગ્રસ્તને વહેલી તકે સારવાર માટે ખસેડવા જેવી તાત્કાલિક કામગીરીઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું.
મોકડ્રીલ દરમિયાન નોડલ અધિકારી સંકેત પટેલ સહિત ફાયર વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ, આરટીઓ, આર એન્ડ બી વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમો ઉપસ્થિત રહી હતી. મોલના અંદાજિત 500થી વધુ લોકો આ અભ્યાસમાં સહભાગી બન્યા હતા.
આ પ્રક્રિયા દ્વારા જનતામાં જાગૃતિ વધારવાની સાથે તાત્કાલિક પ્રતિક્રિયાની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ‘ઓપરેશન અભ્યાસ’ના ભાગરૂપે યોજાયેલી આ ડ્રિલ સમગ્ર શહેર માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક બની રહી.