વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ‘અશોક વન’નું નિર્માણ, વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત સાયન્સ સિટી ખાતે પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને હરિત વિકાસના સંદેશને વધુ મજબૂત બનાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ સિટી કેમ્પસમાં ‘અશોક વન’નું નિર્માણ કરીને સીતા અશોક વૃક્ષોના વિશેષ વૃક્ષારોપણ સાથે વ્યાપક હરિયાળી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ ઉપરાંત પર્યાવરણ જાળવણી, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને હરિત જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
સાયન્સ સિટીમાં વિકસાવવામાં આવેલા ‘અશોક વન’માં મુખ્યત્વે સીતા અશોક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષ તેના સુંદર કેસરી-લાલ પુષ્પો, ઘનિષ્ઠ હરિયાળી અને ઔષધીય ગુણધર્મો માટે વિશેષ ઓળખ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક પરંપરા અને આયુર્વેદમાં પણ સીતા અશોકનું વિશિષ્ટ સ્થાન છે. આ વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવામાં, હવાના ગુણવત્તા સુધારવામાં અને જૈવ વૈવિધ્યતાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વૃક્ષારોપણ માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રહે પરંતુ તેને સતત જનઆંદોલનનું સ્વરૂપ મળે તે માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાયન્સ સિટી દ્વારા ચોમાસા દરમિયાન હાથ ધરાનાર વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પણ સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી મહિનાઓ દરમિયાન સાયન્સ સિટી અને આસપાસના વિસ્તારોમાં હજારો નવા વૃક્ષોનું વાવેતર કરવાનો અને તેમના યોગ્ય ઉછેરની વ્યવસ્થા કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પર્યાવરણને અનુકૂળ વિવિધ સ્થાનિક અને ઔષધીય પ્રજાતિઓના વૃક્ષો વાવીને હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો પ્રયાસ કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વધતા શહેરીકરણ અને આબોહવા પરિવર્તનના પડકારોને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. વૃક્ષો માત્ર ઓક્સિજનના સ્ત્રોત જ નથી, પરંતુ તેઓ ભૂગર્ભ જળ સંરક્ષણ, તાપમાન નિયંત્રણ, માટી ધોવાણ અટકાવવું અને વિવિધ જીવસૃષ્ટિના સંવર્ધનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ઉપસ્થિત સૌએ પર્યાવરણ સુરક્ષા માટે સંકલ્પ લીધો હતો અને પોતાના જીવનમાં વધુમાં વધુ હરિત પહેલોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે ગુજરાત સાયન્સ સિટી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું બાળકની જેમ જતન કરે. સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી ભવિષ્યના નિર્માણ માટે જનભાગીદારી અનિવાર્ય હોવાનું જણાવતાં સૌને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સાયન્સ સિટીએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે અને હરિત ગુજરાતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.




