મેલેરિયા મુક્ત બનવા અમદાવાદનો વિશેષ પ્રયાસ: ૨૦૨૭ સુધીમાં મેલેરિયા કેસ શૂન્ય કરવાનો લક્ષ્યાંક
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મેલેરિયા મુક્ત જિલ્લો બનવા માટે અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખાએ વિશેષ એક્શન પ્લાન ઘડીને કાર્યાન્વિત કર્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ જાગરૂકતા અભિયાન હેઠળ તાલુકા આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૨૦૨૭ સુધીમાં મેલેરિયાના ૦ કેસ અને ૨૦૩૦ સુધી સમગ્ર જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ૫૮ કેસથી શરૂઆત કરીને સઘન સર્વેલન્સ અને નિયંત્રણ અભિયાન દ્વારા ૨૦૨૪માં માત્ર ૬ કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી, જે આરોગ્ય વિભાગની સફળતા દર્શાવે છે.
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ મેલેરિયા નાબૂદી માટે વિસ્તૃત યોજના અમલમાં મૂકાઈ છે. ખાસ કરીને પહેલાના મેલેરિયા પ્રભાવિત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પ્રયત્નો સાથે અમદાવાદ જલ્દી જ મેલેરિયા મુક્ત જિલ્લો બનશે તેવો વિશ્વાસ આરોગ્ય અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.