
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ – ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી
મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ

અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું.
બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.



