GUJARATIDARSABARKANTHA

હિંમતનગરની HNSB સાયન્સ કોલેજ ખાતે માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગરની HNSB સાયન્સ કોલેજ ખાતે માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૧૫૦ વિદ્યાર્થીનીઓએ માસિક સ્વચ્છતા, વ્યક્તિગત આરોગ્ય અને એચપીવી રસીકરણ અંગે તબીબી માર્ગદર્શન મેળવ્યું

ધી HNSB લી. સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે આંતરિક ગુણવત્તા ખાતરી સમિતિના આયોજન હેઠળ “માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ અંગે જાગૃતિ” વિષય પર વિદ્યાર્થીનીઓમાં આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવાના હેતુથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ભગવતી સ્ત્રીરોગ હોસ્પિટલ, હિંમતનગરના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. યામિની પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા, વ્યક્તિગત આરોગ્ય, સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી તેમજ એચપીવી રસીકરણ અંગે વૈજ્ઞાનિક અને તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાની યોગ્ય પદ્ધતિઓ, વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી તેમજ એચપીવીના કારણે થતા રોગોથી બચાવમાં રસીકરણની ભૂમિકા અંગે સરળ અને સમજણસભર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓના આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને જિજ્ઞાસાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓને નિષ્ણાત તબીબ પાસેથી પોતાના આરોગ્ય સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા, આરોગ્યપ્રદ આદતો વિકસાવવા તેમજ એચપીવી રસીકરણ અંગે યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો રહ્યો હતો. કાર્યક્રમ દ્વારા યુવતીઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા તથા જરૂરિયાત મુજબ સમયસર નિષ્ણાત તબીબી સલાહ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ એસ. પટેલ, ડૉ. કુંજલ દીક્ષિત તથા અન્ય શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં ડૉ. ગઢાવાલા, ડૉ. મુકેશ પ્રજાપતિ, ડૉ. નરેશ પટેલ, રિયા પટેલ, વિધિ પટેલ, આકુલી મિનહાસ અને જિંગલ શાહ સહિતનો સહયોગ રહ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!