નિરોણા હાઈસ્કૂલમાં ‘મારું ભારત, મારું ગૌરવ’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
હર ઘર તિરંગા–દેશભક્તિ સપ્તાહ અંતર્ગત ધો. ૯થી ૧૨ના ૧૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા – ૧૧ ઓગસ્ટ : એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા ખાતે ‘હર ઘર તિરંગા–દેશભક્તિ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસે તે હેતુથી ‘મારું ભારત, મારું ગૌરવ’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય શ્રી ડૉ વી. એમ. ચૌધરીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે ભારત માત્ર એક દેશ નથી, પરંતુ વિવિધતા, સંસ્કૃતિ, પરંપરા, શૌર્ય અને એકતાથી શોભતું આપણું ગૌરવ છે. તેમણે વિદ્યાર્થીઓને દેશની પ્રગતિમાં પોતાની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી.વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ ૯થી ૧૨ના કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યો દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, રાષ્ટ્રીય એકતા, વિકાસ, અધિકાર સાથે કર્તવ્ય અને દેશ પ્રત્યેની લાગણીને સુંદર રીતે વ્યક્ત કરી હતી.સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જાડેજા અનુબા, ભાનુશાલી વંશી અને ચારોલીયા નીતાએ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે માધ્યમિક વિભાગમાં કુંભાર રૂક્સાના, દેવરીયા નીલમ અને ત્રિવેદી પલકે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું.સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો અલ્પેશભાઈ જાની, અલ્પાબેન બુચીયા અને ક્રિષ્નાબેન ગોરે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો. ૧૧ની વિદ્યાર્થીની આહિર હેતલ રવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો. આ વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેની જવાબદારી, આત્મગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો હતો. આમ, ‘હર ઘર તિરંગા–દેશભક્તિ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધા ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન કરવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.









