ઉતરાયણમાં પક્ષીઓના રક્ષણ માટે પહેલ ગોધરાના રતનપુર ગામમાં દોરીના ગૂંચળા લાવનારને રૂ.170 રૂપિયા પ્રતિ કિલોની પ્રોત્સાહન રકમ આપવામાં આવી
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા :
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર (કાંટડી) ગામમાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને પક્ષીઓના રક્ષણ માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગામના વતની પરેશ સુથારે આ અભિયાનની શરૂઆત કરી છે, જેમાં લોકોને રસ્તા, ગલીઓ, ધાબા, બારી-બારણાં, વાયર અને ઝાડ પરથી દોરીના ગૂંચળા એકત્ર કરી લાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ મૂંગા પશુ-પક્ષીઓને થતું નુકસાન અટકાવવાનો છે. પતંગની દોરી પક્ષીઓની પાંખો અને ગળાના ભાગે ફસાઈને ઘાતક સાબિત થઈ શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, દરેક વ્યક્તિને પોતાના ધાબા પરથી સાંજે ઉતરતા પહેલાં સાફ-સફાઈ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી સવારે પક્ષીઓ સુરક્ષિત રીતે બેસી શકે.
અભિયાનને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને આશરે 5.4 કિલો દોરી એકત્રિત કરવામાં આવી છે. દોરી લાવનાર દરેક વ્યક્તિને પ્રતિ કિલો રૂ.170ની પ્રોત્સાહન રકમ આપવામાં આવી રહી છે. વળી, સહભાગીઓને નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે. સુરેશભાઈ ચૌહાણે આ સેવાકીય કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે.
આ અભિયાન ગામના યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ સહિત સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તારમાં ફેલાયું છે, જે પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.