આણંદ 4 રેસ્ટોરાં-બેકરીમાં સ્વચ્છતાનો અભાવ: ₹1.55 લાખનો દંડ ફટકારાયો
આણંદ- 4 રેસ્ટોરાં-બેકરીમાં સ્વચ્છતાનો અભાવ: ₹1.55 લાખનો દંડ ફટકારાયો
તાહિર મેમણ – આણંદ – 11/06/2025 – આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગે શહેરમાં આકસ્મિક તપાસણી હાથ ધરી છે. વિદ્યાનગર રોડ પર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરાં તેમજ 100 ફૂટ રોડ પર આવેલી જય ઝુલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસની તપાસ કરવામાં આવી.
તપાસણી દરમિયાન આ તમામ એકમોમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ મળી આવી. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે કરેલી તપાસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ, મચ્છરોની ઉત્પત્તિ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો.
અક્ષરધામ ગુજરાતી થાળ પાસેથી કુલ 35 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો. આલ્ફા રેસ્ટોરાં પાસેથી 35 હજાર રૂપિયા, મસ્તાના દાબેલી પાસેથી 55 હજાર રૂપિયા અને જય ઝુલેલાલ બેકરી પાસેથી 30 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. આમ કુલ 1.55 લાખ રૂપિયાનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો.
મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ.રાજેશ પટેલે જણાવ્યું કે આ એકમોને 15 દિવસમાં સ્વચ્છતા અંગેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં સુધારો નહીં કરવામાં આવે તો એકમો સીલ કરવામાં આવશે.