આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ જિલ્લામાં 2884 ગણતરીદારો આણંદ જિલ્લાના નગરજનોની માહિતી એકત્રિત કરશે

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ જિલ્લામાં 2884 ગણતરીદારો આણંદ જિલ્લાના નગરજનોની માહિતી એકત્રિત કરશે

તાહિર મેમણ – આણંદ – 01/05/2026 – દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘વસ્તી ગણતરી-જનગણના-૨૦૨૭’નો 1 લી જૂનથી આજથી ગુજરાત સહિત આણંદ જિલ્લામાં વિધિવત પ્રારંભ થયો છે.
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી દેવાહુતી એ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ માત્ર નાગરિકોના આંકડા એકત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશ અને રાજ્યના ભવિષ્યના વિકાસની યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના સચોટ આયોજનનો મજબૂત આધાર છે. આ વખતે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થઈ રહી હોવાથી સમયનો બચાવ થશે અને ડેટા વધુ સચોટ બનશે.
ઉલ્લેખનીય છે કે, તા.૦૧ જૂન ૨૦૨૬ થી શરૂ થયેલી આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી હાથ ધરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે સુવ્યવસ્થિત આયોજન અને સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી નિયત સમયમર્યાદામાં સમગ્ર આણંદ જિલ્લાની ડિજિટલ ગણતરી સુચારુ રૂપે પૂર્ણ કરી શકાય.
આ સમગ્ર કામગીરીમાં આણંદ જિલ્લાના કુલ 3326 અધિકારી, કર્મચારી અને ગણતરીદારો જોડાયેલા રહેશે. જેમાં 2884 ગણતરીદારો જિલ્લાનાં શહેરો અને ગામોમાં ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. તેમની સાથે 442 જેટલા સુપરવાઈઝર પણ જોડાયેલા રહેશે. તમામ ગણતરીદારો તથા વસ્તીગણતરી સાથે જોડાયેલા તમામ સ્ટાફને સત્તાવાર ઓળખપત્રો અને નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે, જેથી નાગરિકો તેમની ઓળખ સરળતાથી કરી શકે.
જનગણના કામગીરી અંગે કોઈ માહિતી, માર્ગદર્શન અથવા પ્રશ્નો માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે જનગણનાની અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.inની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.




