આણંદ ખાતે બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ
આણંદ ખાતે બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ
તાહિર મેમણ – આણંદ, બુધવાર::ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, હાલોલ દ્વારા એટીક બિલ્ડીંગ, આણંદ કેમ્પ, આણંદ ખાતે બાગાયત અધિકારીઓની પ્રાકૃતિક કૃષિમાં પંચસ્તરીય બાગાયતી મોડેલ અંગે એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી સરકારી વિભાગો તેમજ લોકભાગીદારી સાથે થઈ રહેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયા દ્વારા પ્રાકૃતિક ખેતીની મુહિમને ખૂબ પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મળી રહયું છે.
આ માર્ગદર્શન થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય, હાલોલ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારીશ્રીઓની એક દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. જી. એન. થોરાત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સંયુક્ત બાગાયત નિયામકશ્રી વિભાગીય કચેરી શ્રી. જે. એમ. તુવારે પણ પ્રાસંગિક વકતવ્ય આપી અધિકારીશ્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિનું સૌથી સફળ અને ખેડૂતો માટે પારસમણી એવા પંચસ્તરીય બાગાયતી મોડેલ જેમાં સહજીવી પાકની વૈજ્ઞાનિક સમજ સફળ ખેડૂત નારસંગભાઈ મોરીએ આપી હતી.
સંશોધન નિયામકશ્રી ડો. વી. પી. ઉસદડીયા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન, વાપ્સા અને પિયત વ્યવસ્થાપન વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નાયબ બાગાયત નિયામક સર્વેશ્રીઓ પંચમહાલ,અમદાવાદ દાહોદ,વડોદરા,છોટાઉદેપુર તેમજ આણંદ સહીત ૪૧ જેટલા ઉપસ્થિત રહ્યા હતા.