આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સ્વિમિંગપૂલની કામગીરી આખરી તબક્કામાં

આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સ્વિમિંગપૂલની કામગીરી આખરી તબક્કામાં

તાહિર મેમણ – આણંદ -20/06/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આણંદ ખાતે ટીપી-૧૦, એફપી-૨૫૪માં આધુનિક સુવિધાઓ સાથેના નવા સ્વિમિંગપૂલનું નિર્માણ કાર્ય આખરી તબક્કામાં પહોંચ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૫,૮૬,૮૦,૧૧૧/- ના માતબર ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટનું સિવિલ બાંધકામ હાલ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તમામ વહીવટી અને ટેકનિકલ માપદંડો પૂર્ણ થયા બાદ જ તેનું વિધિવત લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકવા નું આયોજન હાથ ધરેલ છે.
આ પ્રોજેક્ટની વિગતો મુજબ, ગત ૧૮ નવેમ્બર ૨૦૨૪ ના રોજ સંબંધિત ઈજારદારને વર્કઓર્ડર સોંપીને સ્વિમિંગપૂલની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયમર્યાદામાં બાંધકામ સંબંધિત મુખ્ય કામગીરીઓ આટોપી લેવામાં આવી છે અને માળખાગત સુવિધાઓ તૈયાર કરી દેવાઈ છે. આ સ્વિમિંગપૂલ કરમસદ અને આણંદના રમતપ્રેમીઓ તેમજ નાગરિકો માટે મનોરંજન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક મહત્વની ભેટ સાબિત થનાર છે, જેના કારણે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટની ગુણવત્તા અને કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વર્તમાન સ્થિતિએ સ્વિમિંગપૂલનું બાંધકામ પૂર્ણ હોવા છતાં કેટલીક અનિવાર્ય ટેકનિકલ પ્રક્રિયાઓ બાકી હોવાથી તે હજુ કાર્યરત કરી શકાય તેમ નથી. ખાસ કરીને સ્વિમિંગપૂલમાં સુરક્ષાના ભાગરૂપે અનિવાર્ય એવી ફાયર સેફ્ટીની એન.ઓ.સી. (NOC) મેળવવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત, પૂલના પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી લાઈન નાખવાની કામગીરી બાકી છે. આ ટેકનિકલ કામગીરી અને સુરક્ષા મંજૂરીઓ પૂર્ણ થયા વિના સ્વિમિંગપૂલ શરૂ કરવો જોખમી હોઈ શકે છે, તેથી ફાયર સુરક્ષા મંજૂરી અને ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા પૂર્ણ થયા બાદ જ નગરજનો તેનો સુરક્ષિત રીતે લાભ લઈ શકશે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ બાબતે ગંભીરતા દાખવતા બાકી રહેલી તમામ આનુષંગિક કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મનપાના કમિશનરશ્રીએ સંબંધિત વિભાગોને સંકલન સાધીને ફાયર NOC મેળવવા અને પાણીના નિકાલની વ્યવસ્થાનું ત્વરિત નિરાકરણ લાવવા તાકીદ કરી છે.
મહાનગરપાલિકા તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સુરક્ષા માપદંડોના ચુસ્ત પાલન સાથે નગરજનોને ટૂંક સમયમાં જ એક શ્રેષ્ઠ અને અત્યાધુનિક સ્વિમિંગપૂલની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.




