
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાની શ્રી માહેશ્વરી સેવા સમાજ, ભિલોડા દ્વારા શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ અંગે થઈ ચર્ચા
શ્રી માહેશ્વરી સેવા સમાજ, ભિલોડાના પ્રતિનિધિ મંડળ દ્વારા અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત/જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મિલિંદ બાપના (IAS) ની શુભેચ્છા અને શિષ્ટાચાર મુલાકાત લેવામાં આવી હતી.શુભેચ્છા મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે કલેક્ટરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.બેઠક દરમિયાન ભિલોડા તાલુકા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના સર્વાંગી વિકાસ, સ્થાનિક જનસુવિધાના પ્રશ્નો અને સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ અંગે સાનુકૂળ અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ભિલોડા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા શ્રી માહેશ્વરી સમાજના પરિવારો મૂળ રાજસ્થાન રાજયના વતની છે.અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિંદ બાપના પણ મૂળ રાજસ્થાનના હોવાથી આ મુલાકાત દરમિયાન વતન પ્રત્યેનો સ્નેહ અને એક વિશેષ આત્મીયતાનો અનુભવ જોવા મળ્યો હતો.શુભેચ્છા મુલાકાતમાં શ્રી માહેશ્વરી સેવા સમાજ, ભિલોડાના પ્રમુખ રામપાલજી લઢ્ઢા, ઉપાધ્યક્ષ શિવકુમારજી મુંગડ, મંત્રી વિષ્ણુપ્રસાદજી શાહ તેમજ શ્રી માહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ મુંગડ અને ઉપાધ્યક્ષ પુષ્કરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર પ્રતિનિધિ મંડળે ભિલોડા વિસ્તાર અને જિલ્લાના વિકાસલક્ષી કાર્યોમાં તથા સરકારી લોકકલ્યાણ યોજનાઓમાં સમાજ તરફથી હંમેશા પૂરતો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.





