ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – પ્રેમલગ્ન બાદ સમાધાનની વાત કરવા ગયેલા પિતાને લાકડી વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – પ્રેમલગ્ન બાદ સમાધાનની વાત કરવા ગયેલા પિતાને લાકડી વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

મેઘરજ તાલુકાના બોરસી ગામમાં પ્રેમલગ્નના મામલે સમાધાન માટે ગયેલા પિતાને લાકડી વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત અરવિંદભાઈ ભેમાભાઈ પરમારે ગામના જ મગનભાઈ રૂપસીભાઈ તબિયાડ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ અરવિંદભાઈની પુત્રી માયાબેનને બોરસી ગામના ભરતભાઈ કાન્તિભાઈ તબિયાડ સાથે પ્રેમસંબંધ હોવાથી બંનેએ ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં તેઓ બોરસી ગામમાં રહે છે. પુત્રીના ખબર-અંતર પૂછવા તથા સમાધાનની વાત કરવા માટે અરવિંદભાઈ ભરતભાઈના ઘરે ગયા હતા.પરત ફરી રહ્યા હતા ત્યારે રાકેશભાઈ બચુભાઈ તબિયાડના ઘર નજીક મગનભાઈ રૂપસીભાઈ તબિયાડ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યા હતા અને “તું અહીં કેમ આવ્યો છે?” કહી ગાળો બોલવા લાગ્યા હતા. અરવિંદભાઈએ પોતાની પુત્રીના પ્રેમલગ્ન અને સમાધાનની વાત કરવા આવ્યા હોવાનું જણાવતાં મગનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી વડે કપાળના ભાગે ફટકો મારી દીધો હતો. જેના કારણે અરવિંદભાઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમને બંને હાથના બાવડા અને શરીરના અન્ય ભાગે ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

બુમાબુમ થતાં માયાબેન અને સુભાષભાઈ કાન્તિભાઈ તબિયાડ વચ્ચે પડતાં વધુ મારમાંથી બચાવ્યા હતા. દરમિયાન મગનભાઈની પત્ની અરુણાબેન પણ સ્થળે આવી પતિને ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે આરોપીએ ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બાદમાં ઈજાગ્રસ્ત અરવિંદભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાત ન બનતાં તા. 5 જૂન, 2026ના રોજ અરવિંદભાઈએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!