
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – વણીયાદ નજીક સોલર પ્લાન્ટ પાસે ડામર મેટલ ભરેલું ડમ્પર પલ્ટાયું – વીજ પોલ સાથે અથડાતા જીવંત તાર જમીન પર પડ્યા, મોટી દુર્ઘટના ટળી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વણીયાદ ગામ નજીક આવેલ સોલર પ્લાન્ટ પાસે ડામર મેટલ ભરેલું એક ડમ્પર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી અને ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો.મળતી માહિતી મુજબ ડામર મેટલ ભરેલું ડમ્પર માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ડમ્પર પહેલા રસ્તા કિનારે આવેલા વીજ પોલ સાથે જોરદાર રીતે અથડાયું હતું. અથડામણ એટલી ભયાનક હતી કે વીજ પોલને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બાદમાં ડમ્પર પલ્ટી મારી ગયું હતું.અકસ્માત બાદ વીજ પોલ પરથી જીવંત તાર જમીન પર પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જોકે સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી લોકોને દૂર રાખ્યા હતા અને વીજ વિભાગને ઘટનાની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, વીજ વિભાગના કર્મચારીઓ અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી તૂટેલા તાર અને નુકસાનગ્રસ્ત વીજ પોલને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.





