
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો વધુ એક મોટો ધમાકો,5 લાખથી વધુના દારૂ સાથે 2 આરોપી ઝડપાયા
અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ધનસુરા તાલુકાના કીડી ગામની સીમમાંથી અંગ્રેજી દારૂ ભરેલી એક ક્રેટા કાર ઝડપી લેવામાં આવી હતી

તપાસ દરમિયાન કારમાંથી Gj.31N 8382 લખેલી વધારાની નંબર પ્લેટ પણ મળી આવી હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ ઈશારો કરે છે. કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 5,23,000/-ની કિંમતની 2553 બોટલ અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.SMCની ટીમે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં (1) પ્રકાશ જાલારામ બિશ્નોઈ (ધામણા, સાંચોર – રાજસ્થાન) અને (2) રમેશભાઈ મશુરભાઈ ડામોર (કાલીયાકુવા, મેઘરજ)નો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ખેડા જિલ્લામાં પહોંચાડવાનો હતો. ઝડપાયેલા બુટલેગરો પાસેથી મળેલી માહિતી મુજબ રાજસ્થાનના બિછીવાડા ગામના વિક્રમસિંહ રાજપૂત દારૂ સપ્લાય કરતો હતો. ઉપરાંત, કારના માલિક તરીકે મેઘરજ તાલુકાના રામગઢી ગામના મહેશ દોઢીયારનું નામ સામે આવ્યું છે, જ્યારે ખેડા જિલ્લાના અજાણ્યા ખરીદદારે દારૂ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.SMCના પીએસઆઈ એ.જી. નૂરકારની આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કાર સહિત કુલ રૂપિયા 15,33,947/-નો મુદ્દામાલ જપ્ત કરી ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.





