ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી તાલુકા પંચાયતોમાં સત્તા માટે જંગ તેજ, ટાઈ અને અપક્ષ બન્યા કિંગમેકર – મેઘરજમાં કોંગ્રેસ 11, ભાજપ 10, અને અપક્ષ 1 ની તાલુકા પંચાયતમાં સત્તા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી તાલુકા પંચાયતોમાં સત્તા માટે જંગ તેજ, ટાઈ અને અપક્ષ બન્યા કિંગમેકર – મેઘરજમાં કોંગ્રેસ 11, ભાજપ 10, અને અપક્ષ 1 ની તાલુકા પંચાયતમાં સત્તા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ તાલુકા પંચાયતોમાં સત્તા કબજે કરવાની રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે. જિલ્લામાં કોંગ્રેસે અનેક તાલુકાઓમાં મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, જ્યારે ભાજપ પણ સત્તા સુધી પહોંચવા માટે રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યું છે.ભિલોડા અને શામળાજી તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા સત્તા રચનાનો માર્ગ સરળ દેખાઈ રહ્યો છે. અહીં કોંગ્રેસ નિર્વિઘ્ને સત્તા સ્થાપી શકે તેવી સ્થિતિમાં છે.જો કે, મોડાસા તાલુકા પંચાયતનું ચિત્ર ખૂબ જ રસપ્રદ બન્યું છે. અહીં કોંગ્રેસ અને ભાજપ બંનેને 10-10 બેઠકો મળતા ટાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે એક એક સભ્યનું મહત્વ વધ્યું છે અને બંને પક્ષો દ્વારા સમર્થન મેળવવા માટે આંતરિક મથામણ તેજ બની છે.

બીજી તરફ મેઘરજ તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચામાં છે. અહીં કોંગ્રેસને 11 બેઠકો, ભાજપને 10 બેઠકો અને 1 અપક્ષ ઉમેદવાર જીત્યો છે. હાલ કોંગ્રેસ અપક્ષ સભ્યને સાથે રાખે તો સત્તા રચી શકે તેવી સ્થિતિમાં છે, પરંતુ ભાજપ પણ અપક્ષને પોતાના પક્ષે ખેંચવા માટે પ્રયાસશીલ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો અપક્ષ ભાજપ તરફ ઝૂકે તો અહીં પણ ટાઈ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

પરિણામો બાદ કોંગ્રેસ સામે પોતાના જીતેલા સભ્યોને એકજૂટ રાખવાનો મોટો પડકાર ઉભો થયો છે. “હોર્સ ટ્રેડિંગ”ની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પોતાના સભ્યોને સુરક્ષિત રાખવા, સતત સંપર્કમાં રહેવા અને આંતરિક સંકલન મજબૂત બનાવવાની રણનીતિ અપનાવી શકે છે.બીજી તરફ ભાજપ પણ સત્તા સુધી પહોંચવા માટે રાજકીય કાવા-દાવા અજમાવશે તેવી ચર્ચાઓ છે. હવે આગામી દિવસોમાં અપક્ષ સભ્યોની ભૂમિકા, બંને પક્ષોની રાજકીય ચાલો અને ગઠબંધનના સંકેતો પર સૌની નજર રહેશે.અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયતોમાં સત્તા સ્થાપનાને લઈને આવતા દિવસો રાજકીય રીતે અત્યંત ગરમ રહેવાના સંકેતો મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!