ARAVALLIMODASA

મોડાસામાં દહેજની માંગણી અને ત્રાસ મામલે પતિ સહિત 6 સામે ફરિયાદ

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

મોડાસામાં દહેજની માંગણી અને ત્રાસ મામલે પતિ સહિત 6 સામે ફરિયાદ

મોડાસા તાલુકાના લાલપુર કંમ્પાની રહેવાસી 46 વર્ષીય મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને ત્રણ કાકા-કાકી સહિત કુલ 6 વ્યક્તિઓ સામે દહેજની માંગણી, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, વર્ષ 1999માં લગ્ન બાદ શરૂઆતમાં દાંપત્યજીવન સારું ચાલ્યું હતું. ત્યારબાદ પતિ મુંબઈમાં બિલ્ડર તરીકે કામ કરવા લાગ્યા અને સમગ્ર પરિવાર ત્યાં રહેવા ગયો હતો. મહિલાનો આક્ષેપ છે કે પતિના અન્ય મહિલા સાથેના સંબંધ અંગે જાણ થતાં દાંપત્યજીવનમાં વિખવાદ શરૂ થયો હતો. પતિ દ્વારા વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી અને સાસરી પક્ષના સભ્યો પતિને ચઢામણી કરતા હતા

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પતિ તથા સાસરી પક્ષના સભ્યોએ દહેજ પેટે રૂ. 10 લાખ લાવવાની માંગણી કરી હતી. માંગણી પૂર્ણ ન થતાં મહિલાને મારઝૂડ, ગાળાગાળી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. બાદમાં મહિલાને પહેરેલા કપડાંએ જ પિયર મોકલી દેવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી મહિલા પોતાના દીકરા સાથે પિયરમાં રહે છે અને તેનો ખર્ચ ભાઈ ઉઠાવી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.સમાધાનના અનેક પ્રયાસો છતાં સાસરી પક્ષ મહિલાને અને તેના દીકરાને પરત સ્વીકારવા તૈયાર ન થતાં, નાયબ પોલીસ અધિક્ષકની મંજૂરી બાદ મહિલાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 આરોપીઓ સામે દહેજની માંગણી, શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!