
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – કંભરોડાનુ તળાવ ભરવાની માંગ : 70 વિઘાનું તળાવ યોજનાથી બાકાત રહેતું હોવાના આક્ષેપો, ખેડૂતોમાં રોષ, સિંચાઈ વિભાગની લાલિયાવાડી..!!
કંભરોડા ગામનું આશરે 70 વિઘા વિસ્તાર ધરાવતું તળાવ સિંચાઈ વિભાગની તળાવો ભરવાની યોજનામાંથી બાકાત રહેતા સ્થાનિક ખેડૂતોના આક્ષેપો સાથે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળે તે માટે મોટી કેનાલો સાથે લિંક બનાવી વિવિધ ગામોના તળાવો ભરવામાં આવે છે. તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહે છે અને ખેતીમાં ઉત્પાદન વધે છે. જોકે કંભરોડા તળાવ ચોમાસા સિવાય મોટાભાગે ખાલી રહેતું હોવાથી આસપાસના ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત રહે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, આ તળાવથી અંદાજે 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામનું તળાવ સિંચાઈ વિભાગ દ્વારા નિયમિત ભરવામાં આવે છે. હાલ વાત્રક નદી માંથી લિંક દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. જો એ જ લાઇનને થોડું વિસ્તારી કંભરોડા તળાવ સુધી જોડવામાં આવે તો આ તળાવ પણ સરળતાથી ભરાઈ શકે તેવી સ્થાનિકોની માંગ છે.સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે તળાવ ભરાય તો આસપાસના ગામોના બોર અને કૂવા રિચાર્જ થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને આશરે 2000 થી 2500 વિઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. હાલ હવામાનમાં સતત પલટા, કમોસમી વરસાદ અને ખેતીમાં વધતા ખર્ચને કારણે ખેડૂતો પરિસ્થિતિથી પરેશાન છે.ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે કંભરોડા તળાવને પણ તળાવો ભરવાની યોજનામાં સામેલ કરવામાં આવે જેથી અંતરીયાળ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે અને કૃષિ ઉત્પાદન વધે.





