
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા : પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ, પિતા સહિત ચાર સામે ગુનો – ઘટનાના CCTV આવ્યા સામે

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં પ્રેમલગ્ન કરીને પતિ સાથે રહેતી 19 વર્ષીય યુવતીને તેના પિતા અને અન્ય ત્રણ વ્યક્તિઓએ જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.વડાગામના જીતભાઈ અલ્પેશભાઈ પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બે વર્ષથી નડિયાદની નેન્સીબેન દિલીપભાઈ પ્રજાપતી સાથે પ્રેમસંબંધ હતો અને બંનેએ 11 માર્ચ, 2026ના રોજ નોટરી મારફતે મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. છેલ્લા એક મહિનાથી બંને વડાગામ ખાતે પતિ-પત્ની તરીકે રહેતા હતા.ફરિયાદ અનુસાર, 22 જૂનના રોજ સવારે જીતભાઈ અને તેમના પિતા ખેતરમાં હતા ત્યારે તેમની માતાએ ફોન કરીને જાણ કરી હતી કે કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (RJ-27-CP-7985)માં આવેલા લોકો નેન્સીબેનને જબરદસ્તી બેસાડી લઈ ગયા છે. ઘર નજીકના સીસીટીવી ફૂટેજમાં યુવતીના પિતા દિલીપભાઈ પ્રજાપતી સહિત ચાર વ્યક્તિઓ દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.યુવતીની શોધખોળ છતાં કોઈ પત્તો ન મળતા જીતભાઈ પટેલે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના પિતા દિલીપભાઈ નારાયણભાઈ પ્રજાપતી સહિત ચાર વ્યક્તિઓ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




