
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પ્રથમ જ વરસાદમાં ટીંટોઈ–મેઘરજ રોડ પર ગાબડાં, રોડની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ – તપાસને લઈ R&B વિભાગ નિષ્ક્રિય હોય તેવો ઘાટ..!!!

અરવલ્લી જિલ્લામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા ટીંટોઈથી મેઘરજ જતા રોડની પ્રથમ જ વરસાદમાં પોલ ખુલ્લી પડી હોવાનું સામે આવ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે માર્ગ પર સાઇડો પર ગાબડાં પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લાખોથી રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રોડની આ હાલત વિકાસના દાવા સામે સવાલો ઉભા કરી રહી છે. પ્રથમ જ વરસાદમાં માર્ગ ખરાબ થઈ જતાં રોડ નિર્માણની ગુણવત્તાને લઈ સવાલો ઊભા થયા છે સાથે જ કામ દરમિયાન નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાની શક્યતા અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.રસ્તા પર ગાબડાં પડતાં અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, રોડની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરીને ખામી માટે જવાબદાર લોકો સામે પગલાં ભરવા તેમજ ટકાઉ ધોરણે તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવાની માંગ ઉઠી છે.સ્થાનિકોનું કહેવું છે કે જો પ્રથમ જ વરસાદમાં રસ્તાની આ સ્થિતિ થઈ છે, તો સમગ્ર ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.






