
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસની વિશાળ રેલી – ઊંટલારી સાથે મોંઘવારીને લઈ વિશાળ રેલી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, નીટ પેપર લીક, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ખેડૂતોના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને વિરોધ રેલી યોજવામાં આવી હતી. શહેરના ચાર રસ્તા ખાતેથી શરૂ થયેલી રેલીમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિવિધ મુદ્દાઓ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વધતી મોંઘવારી અને સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.
વિરોધને અનોખી રીતે રજૂ કરવા માટે ઊંટલારી પર બાઈક, ગેસની બોટલો તેમજ ખાલી તેલના ડબ્બા મૂકવામાં આવ્યા હતા. જેના માધ્યમથી પેટ્રોલ-ડીઝલ અને ઘરગથ્થુ ગેસના વધતા ભાવ સામે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, સરકારના આંખ અને કાન ખોલવા તેમજ ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. રેલી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.






