
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : દધાલીયા ગામે લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના, ચાર સામે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ફરિયાદ મુજબ, દધાલિયા ગામે ભુરાભાઈ મગનભાઈ રાવળના પુત્રના લગ્ન પ્રસંગે આમંત્રિત મહેમાનો હાજર હતા. રાત્રિના સમયે વરઘોડા અને જમણવાર બાદ ગ્રહશાંતિ વિધિ ચાલી રહી હતી ત્યારે નજીકમાં રહેતા કેટલાક વ્યક્તિઓએ “તમે અહીં કેમ આવ્યા છો” કહી ગાળો બોલી તણાવ સર્જ્યો હતો.
આ દરમ્યાન ફરિયાદી ચેતનાબેનના પતિ ભરતભાઈએ વિરોધ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ભેગા થઈ ભરતભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ગડદા-પાટુ અને ઢીક-મુક્કાનો માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત, એક આરોપીએ દાઢીના ભાગે બચકું ભર્યું હોવાનો અને બીજા આરોપીએ લાકડી વડે ખભાના ભાગે ઇજા પહોંચાડી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઘટનામાં ઘાયલ થયેલા ભરતભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.ફરિયાદમાં પ્રફુલભાઈ વિષ્ણુભાઈ રાવળ, કમલેશભાઈ વિષ્ણુભાઈ રાવળ, મહેશભાઈ ભિખાભાઈ રાવળ અને બાબુભાઈ મગનભાઈ રાવળ (બધા રહે. દધાલિયા, તા. મોડાસા) સામે મારામારી, ધમકી અને જાહેરનામા ભંગના ગુનાઓ નોંધવાની માંગ કરવામાં આવી છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.





