
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના છીટાદરામાં એમ એડનું પેપર આપી પરત ફરતી બહેનને લેવા ગયેલા ભાઈની હત્યા, આરોપી ઝડપાયો – DYSP,LCB,SOG સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે
મેઘરજ તાલુકાના છીટાદરા ગામે 4 મેની રાત્રે એક કરુણ ઘટના બની. એમ એડ નું પેપર આપી મોડાસાથી પરત ફરતી બહેનને લેવા ગયેલા યુવકની માત્ર બાળકની સલામતી બાબતે કરેલી ટકોરને લઈને લાકડા-પાઈપથી મારી હત્યા કરી દેવામાં આવી. ઇસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે

તા. 4/5/2026ના રોજ પુષ્પાબેન લાલજીભાઈ ખરાડી મોડાસા ખાતે એમ એડ નું પેપર આપી સાંજે જાલમપુર બસમાં બેસી છીટાદરા આવવા નીકળ્યા હતા. રાત પડી ગઈ હોવાથી તેમણે ભાઈ રાકેશને ફોન કરી છીટાદરા ચોકડી પર બાઈક લઈને બોલાવ્યો હતો.રાત્રે પોણા નવ વાગ્યે પુષ્પાબેન ચોકડી પર બસમાંથી ઉતર્યા. દસ મિનિટમાં જ ભાઈ રાકેશ અને તેનો મિત્ર દિવ્યરાજ નારણભાઈ ખરાડી બાઈક લઈને પહોંચ્યા. પુષ્પાબેનને બાઈક પર બેસાડી ત્રણેય ઘર તરફ જવા નીકળ્યા.
*બોલાચાલી કેમ થઈ?*
એ દરમિયાન સામેથી પ્રકાશ ઉર્ફે લારો ખેમાભાઈ તરાળ પોતાના નાના બાળકને ગળામાં લટકાવી બાઈક પર આવતો હતો. દિવ્યરાજે બાળક પડી જશે તેવી ભીતિથી પ્રકાશને કહ્યું, “ગળામાં લટકાવ નથી, અમને આપી દે તારા ઘરે મૂકી દઈશું.” આ સાંભળી પ્રકાશ ઉશ્કેરાઈ ગયો. “હું મારા છોકરાને તમને કેમ આપું” કહીને નઠારી ગાળો બોલી તકરાર કરવા લાગ્યો. મામલો વણસે નહીં એટલે દિવ્યરાજ, રાકેશ અને પુષ્પાબેન ત્યાંથી બાઈક લઈને નીકળી ગયા.

*ઘાતક હુમલો*
પ્રકાશે પુરપાટ ઝડપે બાઈક ચલાવી દિવ્યરાજની બાઈકને સાઈડ મારી આગળ નીકળી ગયો અને છીટાદરા ગ્રામ પંચાયત નજીક રોડ પર લાકડું અને લોખંડની પાઈપ લઈને ઉભો રહી ગયો.તેણે દિવ્યરાજનું બાઈક રોકાવી ત્રણેયને નીચે ઉતાર્યા અને સીધો રાકેશભાઈ લાલજીભાઈ કલાસવાના માથાના ભાગે લાકડું ફટકાર્યું. રાકેશ નીચે ઢળી પડ્યો. લાકડું ભાંગી જતા આરોપીએ લોખંડની પાઈપ વડે આડેધડ ફટકા મારવા શરૂ કર્યા.

*પોલીસ કાર્યવાહી અને સ્થિતિ*
બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા. રાકેશના પિતા અને ભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. 108 મારફતે રાકેશને ઈસરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.
મૃતકની બહેન પુષ્પાબેન લાલજીભાઈ કલાસવાએ ઈસરી પોલીસ મથકે આરોપી પ્રકાશ ઉર્ફે લારો કલાસવા, રહે. છીટાદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો છે.હાલ મૃતદેહને પીએમ અર્થે ઈસરી પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. બનાવ બાદ છીટાદરા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને અંતે 20 કલાક બાદ લાશને પરિવારે સ્વીકાર કર્યો હતો માત્ર એક ટકોર કેવી રીતે હત્યામાં પરિણમી તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






