
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ પોલીસે સગીરાના અપહરણ કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી ઝડપ્યો

મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે સગીરાના અપહરણ અંગે નોંધાયેલા ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી ભોગ બનનાર સગીર કિશોરીને સુરક્ષિત શોધી કાઢી આરોપીની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ વિભાગની સંવેદનશીલતા અને ઝડપી તપાસનું ઉત્તમ ઉદાહરણ બની છે.
પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગના શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સગીર બાળકો વિરુદ્ધના ગુનાઓમાં અસરકારક તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને મેઘરજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન. નિનામાના નેતૃત્વમાં ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
મેઘરજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુનો નં. 11188007260394/2026 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 138(2) હેઠળ તા. 10 જૂન, 2026ના રોજ નોંધાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અત્તરસિંગ જીલેદાર (ઉ.વ. 53), મૂળ રહેવાસી ચાવલા કા બાસ, ગેગોલી, અલવર (રાજસ્થાન) તથા હાલ દિલ્હીમાં રહેતો, સગીર કિશોરીને પોતાની સાથે લઈ જઈ અપહરણનો ગુનો આચર્યો હતો.ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી મેઘરજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ તથા માનવસૂત્રોની મદદથી અલવર (રાજસ્થાન) ખાતે પહોંચી ભોગ બનનાર સગીર કિશોરીને સુરક્ષિત શોધી કાઢી હતી. સાથે જ આરોપી અત્તરસિંગ જીલેદારને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મેઘરજ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને લઈ સ્થાનિકોમાં પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.





