
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – RCC રોડના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, મેઘરજમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી 7 લોકો સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સમતનગર વિસ્તારમાં RCC રોડ બનાવવાના મુદ્દે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે બંને પક્ષે મેઘરજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગરમાયો છે.ફારૂકભાઈ કાળુભાઈ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગ્રામપંચાયતના તલાટી રસ્તાનું નિરીક્ષણ કરી ગયા બાદ શીરાજભાઈ કાળુભાઈ શેખ, સલમાનભાઈ શીરાજભાઈ શેખ અને સરફરાજ ઉર્ફે બોડાભાઈ રફીકભાઈ મકરાણીએ રસ્તા બાબતે બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે સલમાનભાઈએ લોખંડના સળિયાથી ખભા પર હુમલો કર્યો હતો જ્યારે સરફરાજે લોખંડની પાઇપ વડે માથામાં ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ મેઘરજ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ શીરાજભાઈ કાળુભાઈ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે RCC રોડ માટે રસ્તો ખુલ્લો કરવાની વાત કરતાં ફારૂકભાઈ, કાળુભાઈ, મહેફીલબાનુ અને સોનુ શેખ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની તેમજ તેમની પત્ની સાથે મારપીટ, ખેંચતાણ, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મેઘરજ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




