
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અખાત્રીજ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતી કાર્યોનો શ્રીગણેશ
ધરતી માતાની પૂજા સાથે હળ-ટ્રેક્ટર અને ખેતીના ઓજારોનું પૂજન, સારા વરસાદ માટે પ્રાર્થના

અખાત્રીજનો તહેવાર ખેડૂતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ શુભ દિવસે ખેડૂત સમાજ દ્વારા નવા કૃષિ વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં ખેડૂતો અખાત્રીજના દિવસે ખેતીના ઓજારોની પૂજા કરી સારા પાક અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે છે.અરવલ્લી જિલ્લામાં પણ અખાત્રીજના પાવન અવસરે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતરિવાજ મુજબ ખેતી કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં જઈ જમીનમાં ખાડો કરીને તેમાં સોપારી, નાણાં અને છાણ મૂકી દીવો પ્રગટાવી ધરતી માતાની પૂજા અર્ચના કરી હતી.આ બાદ હળ, ટ્રેક્ટર સહિત ખેતીના તમામ સાધનોનું વિધિવત પૂજન કરીને ખેડૂતો દ્વારા નવા સિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ ઈશ્વર પાસે સારા વરસાદ અને ભરપૂર પાક માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી.અખાત્રીજનો આ તહેવાર માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ કૃષિ જીવન સાથે જોડાયેલ એક અગત્યની પરંપરા તરીકે પણ ઉજવવામાં આવે છે, જે ખેડૂતોના જીવનમાં નવી આશા અને ઉર્જા લાવે છે.





