ARAVALLIMODASA

મોડાસામાં સરકારી આદેશોના લીરેલીરા..? ‘શ્રી નાથજી ઢાબા’ના બિનઅધિકૃત બાંધકામ મુદ્દે તંત્ર સામે સવાલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં સરકારી આદેશોના લીરેલીરા..? ‘શ્રી નાથજી ઢાબા’ના બિનઅધિકૃત બાંધકામ મુદ્દે તંત્ર સામે સવાલો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ‘શ્રી નાથજી ઢાબા’ના કથિત બિનઅધિકૃત બાંધકામનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 31 જાન્યુઆરી, 2025ના રોજ કલેક્ટર દ્વારા આપવામાં આવેલા ‘સ્ટે’ આદેશ છતાં ઢાબા પર પ્રવૃત્તિ ચાલુ હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે નગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.આક્ષેપો મુજબ, જરૂરી NA પરવાનગી અને અન્ય મંજૂરીઓ વિના જ સમગ્ર હોટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. છતાં એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાંધકામ યથાવત રહેતાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે.તાજેતરમાં 20 જૂન, 2026ના રોજ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તેમજ સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાયા બાદ જિલ્લા કલેક્ટરે મામલે ગંભીરતા દાખવી હોવાનું જાણવા મળે છે અને મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરને બિનઅધિકૃત બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.મહત્વનું એ છે કે કલેક્ટરના સ્ટે આદેશ બાદ પણ હોટલનું ઉદ્ઘાટન થઈ જતાં પ્રશાસનના અમલ અંગે સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર આવતીકાલે બપોરે 1 વાગ્યા બાદ તંત્રની કાર્યવાહી પર ટકેલી છે. ‘શ્રી નાથજી ઢાબા’ સામે સીલિંગ અથવા તોડફોડની કાર્યવાહી થશે કે નહીં, તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મોડાસા નગરપાલિકાનું તંત્ર કલેક્ટરના આદેશોનું કડક પાલન કરાવશે કે પછી બિનઅધિકૃત બાંધકામ કરનારાઓને રાહત મળશે? હવે આગામી કાર્યવાહી પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!