ARAVALLIMODASA

અરવલ્લી : આંતરરાજ્ય ચોર ગેંગનો સાગરીત LCBના સકંજામાં, 2,000નો ઇનામી આરોપી રાજસ્થાનથી ઝબ્બે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : આંતરરાજ્ય ચોર ગેંગનો સાગરીત LCBના સકંજામાં, 2,000નો ઇનામી આરોપી રાજસ્થાનથી ઝબ્બે

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મેળવતા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનારી ગેંગના મુખ્ય સાગરીતને દબોચી લીધો છે. પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને સચોટ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે. પકડાયેલ આરોપી મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલો રૂ. 2,000નો ઇનામી બદમાશ છે, જે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.

3 પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓનો ભેદ ઉકેલાયો

પકડાયેલા આરોપીની પૂછપરછમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. આરોપીઓ રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરતા પહેલાં તેઓ દિવસ દરમિયાન રેકી કરતા અને ત્યારબાદ મુખ્ય દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કરી કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા.

રાજસ્થાનના ચિત્તોડગઢથી થઈ ધરપકડ

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2025 અને 2026 દરમિયાન જિલ્લામાં અનડિટેક્ટ રહેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવા LCB અને ટેકનિકલ સેલની ખાસ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના સાગરીત અભિષેક આછડા (બછડા)ને રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બાહેરા ગામથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી અલગ-અલગ કંપનીના 20 જેટલા સિમકાર્ડ પણ મળી આવ્યા છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આચર્યા છે ગુના

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી. આ ટોળકી વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવીને ગેંગના અન્ય સાગરીતો જેવા કે સિકંદર અને કમલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!