
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ખુલ્લેઆમ લીલા લાકડાની હેરાફેરીના દ્રશ્યો, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો – મેઘરજ, મોડાસા, બાયડ વિસ્તારમાં લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર..?

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની હેરાફેરીના બનાવો ચર્ચાનો વિષય બન્યા છે. મેઘરજ, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડાના જથ્થા જાહેર રસ્તાઓ પરથી ખુલ્લેઆમ પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન વધી રહેલી આ હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મોટા પ્રમાણમાં લાકડાની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો લાકડાના જથ્થા કયા વિસ્તારથી આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરજ, બાયડ અને મોડાસા તાલુકાના અનેક માર્ગો પરથી ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડા પસાર થતા હોવાના દાવાઓ વચ્ચે હવે જવાબદાર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.જો કે, લાકડાની હેરાફેરી કાયદેસર પરવાનગી સાથે થઈ રહી છે કે ગેરકાયદેસર રીતે થઈ રહી છે તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.




