
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અંગ દઝાડતી ગરમી, તાપમાન 41 ડિગ્રીને પાર –

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની ગરમી હવે લોકો માટે અસહ્ય બનતી જઈ રહી છે. સોમવારે જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રસ્તાઓ પર બપોરના સમયે સુનસાન માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ગરમીના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે.
ગુજરાત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ આ ગરમીનો પ્રકોપ સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યો છે.વધતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.તબીબો દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત જેવા પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી શરીરમાં પાણીની અછત ન સર્જાય અને ડિહાઇડ્રેશનથી બચી શકાય. સાથે જ હીટસ્ટ્રોકથી બચવા માટે સીધી ધુપમાં જવાનું ટાળવું અને હળવા તથા ઢીલા કપડાં પહેરવા પણ જરૂરી ગણાવવામાં આવ્યું છે.જિલ્લામાં વધતી ગરમીને કારણે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને વધુ સાવચેત રહેવાની જરૂર છે.





