
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*મોડાસા તાલુકાના મોદરસુંબા ગામમાં UGVCL પેટા વિભાગ ખલીકપુરની ગંભીર બેદરકારી સામે આવી*

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોદરસુંબા ગામમાં UGVCL પેટા વિભાગ ખલીકપુરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર કામગીરી થતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે, જ્યારે હકીકતમાં સમગ્ર ગામ જોખમી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.ગામના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા વીજ તાર, ખુલ્લા ડીપીના વાયર અને વીજ થાંભલાઓ પર ફેલાયેલા વનસ્પતિના વેલા ગામજનોના જીવ માટે મોટું જોખમ બની રહ્યા છે. ખાસ કરીને વરસાદી અને વાવાઝોડાના માહોલમાં આ સ્થિતિ વધુ ભયજનક બની જાય છે, જ્યાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, સંબંધિત અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. UGVCLના જવાબદાર અધિકારીઓ આ મુદ્દે ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.આ ઉપરાંત, છેલ્લા કેટલાય સમયથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકો તોબા પુકારી ઊઠ્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે, જેના કારણે અબોલ પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે, જે તંત્રની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.વિશ્વાસઘાત સમાન બાબત એ છે કે ખલીકપુરના UGVCL એન્જિનિયર સોલંકી ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યા છે, જેના કારણે લોકોમાં નિરાશા અને આક્રોશ વધી રહ્યો છે.સ્થાનિક લોકોનો સીધો સવાલ છે. શું UGVCL તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ..?તાત્કાલિક અસરથી જોખમી વીજ લાઈનો, ડીપી અને થાંભલાઓનું મરામત કાર્ય હાથ ધરવામાં આવે, યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે અને ગામમાં નિયમિત વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની તાત્કાલિક માંગ છે.



