
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી – ગલીસેમરો ગામે SOG ના દરોડો : 54 ગાંજાના છોડ સાથે રૂ. 15.97 લાખનો મુદ્દામાલ કબજે, 80 વર્ષીય વૃદ્ધની ધરપકડ, છોડ વાવેતર માટે સાધુ મહારાજ એ ગાંજાના બીજ આપ્યા.!!!

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગલીસેમરો ગામે અરવલ્લી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે પંચો, એફએસએલ અધિકારી અને વિડીયોગ્રાફરની હાજરીમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો.એસઓજીના પો.સ.ઇ. એ.એચ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ ગલીસેમરો ગામે પહોંચી હતી. ત્યાં રામાભાઈ કુરાભાઈ ઓજાત (ઉ.વ. આશરે 80 વર્ષ), રહે. ગલીસેમરોના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં તપાસ હાથ ધરતાં ગવારના પાક વચ્ચે તેમજ અલગ વાડ બનાવી રાખેલી જગ્યામાં નાના-મોટા કુલ 54 ગાંજાના છોડ મળી આવ્યા હતા.સ્થળ પર હાજર એફએસએલ અધિકારી એસ.એસ. જોષીએ નાર્કોટિક્સ કિટની મદદથી છોડનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તેમાં ગાંજાના તત્ત્વોની હાજરી હોવાનું નિશ્ચિત થયું હતું. ત્યારબાદ પંચોની હાજરીમાં તમામ છોડ મૂળ અને માટી સહિત ઉખાડી લેવામાં આવ્યા હતા અને તેનું વજન કરવામાં આવ્યું હતું.પોલીસે કબજે કરેલા કુલ 54 ગાંજાના છોડનું વજન 31.950 કિલોગ્રામ નોંધાયું હતું. અંદાજે પ્રતિ કિલો રૂ.50 હજારના દરે તેની કુલ કિંમત રૂ.15,97,500 થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત સ્થળ પરથી માટીના નમૂનાઓ પણ સીલ કરી તપાસ અર્થે કબજે લેવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી રામાભાઈ ઓજાતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે શિવભક્ત છે અને વર્ષોથી ગાંજો પીવાની ટેવ ધરાવે છે. અગાઉ એક સાધુ મહારાજે તેને ગાંજાના બીજ આપ્યા હતા, જેમાંથી તેણે પોતાના ઉપયોગ માટે આ છોડનું વાવેતર કર્યું હોવાનું જણાવ્યું હતું.પોલીસે રામાભાઈ કુરાભાઈ ઓજાતની અટકાયત કરી તેની પત્ની શકરીબેનને ધરપકડ અંગે જાણ કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું અને કબજે કરાયેલા મુદ્દામાલના નમૂનાઓ મેજિસ્ટ્રેટ સમક્ષ સેમ્પલિંગ અને વધુ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ મામલે અરવલ્લી એસઓજીએ રામાભાઈ કુરાભાઈ ઓજાત વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(2)(સી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગાંજાના બીજ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેમજ તેનો અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.





