
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ફરી SMC નો સપાટો : મોડાસા રૂરલ વિસ્તારમાં ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો – 1 આરોપી ઝડપાયો 5 વોન્ટેડ જાહેર
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રાજેન્દ્રનગર ચોકડી નજીક વાંટડા સીમ વિસ્તારમાંથી ટ્રકમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો

મળતી માહિતી અનુસાર, SMC ટીમે બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂપિયા 28.48 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. સાથે ટ્રક સહિત કુલ રૂપિયા 43.62 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા SMC અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર મોટી માત્રામાં દારૂ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.





