
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
જસવંત ગઢ પાસે અકસ્માતમાં જીવ ગુમાવનાર સરડોઈની ત્રણ દીકરીઓની નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચઢ્યું
અરવલ્લીના મોડાસામાં ઇકો અને બસ વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. સરડોઈ ગામની 3 દીકરીઓની એકસાથે અંતિમ યાત્રા નીકળતા શોકનું મોજું ફરી વળ્યું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર સરડોઈ ગામની ત્રણ દીકરીઓની આજે એકસાથે અંતિમ યાત્રા નીકળતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. એક જ ગામની ત્રણ માસૂમ દીકરીઓના કમકમાટીભર્યા મોતને પગલે સરડોઈ ગામમાં આજે ચૂલો પણ સળગ્યો નથી અને ચારેતરફ આક્રંદ જોવા મળી રહ્યો છે.
લગ્ન પ્રસંગમાં મજૂરીએ જતી વેળાએ કાળ ભેટ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સરડોઈ ગામની આ દીકરીઓ અને અન્ય મહિલાઓ ઇકો ગાડીમાં સવાર થઈને કુંપ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં મજૂરી અર્થે જઈ રહી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસ અને ઇકો ગાડી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે જ 6 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
સરડોઈ ગામમાં શોકનું મોજું
અકસ્માતમાં જીવ ગુમાવનાર 6 લોકો પૈકી ત્રણ દીકરીઓ સરડોઈ ગામની હોવાથી ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે. આજે જ્યારે ત્રણેય દીકરીઓની નનામી એકસાથે નીકળી ત્યારે પરિવારજનોના કરુણ આક્રંદથી પથ્થર પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગામના તમામ લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને ભારે હૈયે દીકરીઓને વિદાય આપી હતી.
પોલીસ તપાસ શરૂ
નેશનલ હાઈવે પર અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





